પાટણની આઠ જેટલી સોસાયટીઓના 2000 થી વધારે લોકો અને ખેડૂતો ફાટક બંધ કરવાની હિલચાલ થી ચિંતામાં મુકાયાં
પાટણના ખાલકશા વિસ્તારમાં આવેલ રેલવે ફાટક બંધ કરવામાં આવનાર હોવાથી આ વિસ્તારમાં રહેતા સોસાયટીના રહીશો મૂંઝવણમાં મુકાયા છે જેઓ દ્વારા કયાંતો ફાટક ખુલ્લો રહે અથવા આ જગ્યાએ અંડરપાસ બનાવવામાં આવે તેવી ઉગ્ર માંગણી થઈ રહી છે. શહેરના વોર્ડ નંબર ત્રણની રાત્રિ સભામાં આ મુદ્દે ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી હતી. શહેરના ખાલકશા રેલવે ફાટકના પેલી પારના વિસ્તારમાં સાત થી આઠ જેટલી સોસાયટીઓ આવેલી છે જેમાં અંદાજે 2000 થી વધારે લોકો વસવાટ કરે છે પરંતુ ફાટક બંધ કરવાની નોટિસ મળતા આ વિસ્તારના લોકો અવર-જવરને લઈને ચિંતિત થયા છે.
આ અંગે સ્થાનિક રહીશો દ્વારા ફાટક ખુલ્લો રાખવામાં આવે અથવા તેની જગ્યાએ અંડર પાસ બનાવવામાં આવે તેવી માગણી સાથે આવેદનપત્ર શહેરી મામલતદાર કચેરીમાં આપવામાં આવ્યું હતું પરંતુ તેમાં કોઈ કાર્યવાહી નહિ થતા ગુરુવારે રાત્રે જગદીશ મંદિર હોલમાં યોજાયેલી રાત્રી સભામાં આ વિસ્તારના અગ્રણીઓ દ્વારા ફરીથી રજૂઆત કરવામાં આવી હતી. સ્થાનિક અગ્રણીએ જણાવ્યું કે આ વિસ્તારની સોસાયટીઓમાં 2000 જેટલા લોકોનો વસવાટ છે. આ ઉપરાંત 15 થી 20 ખેડૂતોના ખેતરો આવેલા છે તેમના ત્યાં કામ કરતા શ્રમિક પરિવારો ખેતરમાં રહીને ખેતી કામ કરે છે.
બધું મળીને એક ગામડા જેટલી વસ્તી આ વિસ્તારમાં રહે છે. પરંતુ રેલવે ફાટક બંધ કરવા નોટિસ આપવામાં આવેલી છે જેને લઇ અવર-જવરનો મોટો પ્રશ્ન ઉભો થશે. બાળકોને શાળાએ જવા આવવા માટે બીજા રસ્તાઓ પર ફરીને અવરજવર કરવી પડશે. રાત્રે અસલામતી ભરી બની રહેવાની દહેશત વ્યક્ત કરી હતી.
સ્થાનિક રહીશોની રજૂઆત છે કે આ રેલવે ફાટકની બંને તરફ દૂરના અંતરે આવેલા ફાટક ઉપર અંડર પાસ સુવિધા છે. પીટીસી કોલેજ પાસે અગાઉથી છે જ્યારે હિન્દુ સ્મશાન ભૂમિ પાસે અંડરપાસ બનાવવા નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. તો અમને પણ આવો લાભ આપવામાં આવે.
પાટણ શહેર મામલતદાર ડીડી પરમાર એ જણાવ્યું હતું કે આ રજૂઆત અગાઉ મળેલ છે. રેલવે ટ્રેકને ફાટક રહીત કરવાની યોજના છે. આ અંગે જિલ્લા કલેકટર સમક્ષ રજૂઆત કરવામાં આવશે અને તેમાં હકારાત્મક નિરાકરણ થાય તેવા પ્રયાસ કરવાની ખાતરી આપી હતી.
- પાટણ શહેરની પ્રાર્થના વિહાર સોસાયટીમાં રહીશોના વિરોધ વચ્ચે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શહેર કોંગ્રેસ સમિતિએ અટકાવી..
- Income Tax Recruitment 2025 । Income Tax વિભાગમાં લેખિત પરીક્ષા વગર નોકરીની તક
- બનાસકાંઠા જિલ્લાની કુલ 10 પેઢીઓના વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂના ફેલ જતા કોર્ટ દ્વારા કુલ રૂ.26 લાખનો દંડ
- રાધનપુરને જિલ્લો જાહેર ન કરાતા કોંગ્રેસ સમિતિ દ્વારા પોસ્ટર વોર શરૂ કરાતાં રાજકીય ગરમાવો છવાયો