મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કુંવારા ગામેથી ‘સુજલામ સુફલામ અભિયાન’ નો પ્રારંભ
માન.મંત્રીના હસ્તે કુંવારા ગામના તળાવની ખાતમુહુર્ત વિધિ કરાઈ
‘’પાણીની વ્યવસ્થા માટે લોકભાગીદારી સાથે ગામના દાતાઓ આગળ આવે’’: મંત્રી બળવંતસિંહ રાજપૂત
‘’સુજલામ સુફલામ અભિયાન અંતર્ગત કુંવારા ગામના 5 તળાવો ભરાશે’’: મંત્રી બળવંતસિંહ રાજપૂત
“પાણીના ટીપે ટીપામાંથી બને છે મહાસાગર, પાણીથી જ થાય છે જીવન ઉજાગર.” સમગ્ર રાજ્યમાં ભૂર્ગભ જળસ્તર ઊંચા લાવવાના હેતુસર વરસાદી પાણીના સંગ્રહ માટેના મહત્વના ‘સુજલામ સુફલામ જળ અભિયાન’નો રાજ્યવ્યાપી પ્રારંભ શુક્રવાર તા.૧૭ ફેબ્રુઆરીથી થઈ રહ્યો છે, ત્યારે પાટણ જિલ્લાનો જિલ્લા કક્ષાનો પ્રારંભ આજરોજ સિદ્ધપુર તાલુકાના કુંવારા ગામેથી થયો છે. માન.કેબીનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે આજરોજ પાટણના જિલ્લા કક્ષાના સુજલામ સુફલામ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મંત્રીએ કુંવારા ગામના તળાવની ખાતમુહૂર્ત વિધિ પણ કરી હતી.
સુજલામ સુફલામ જળ અભિયાન તા.૧૭ ફેબ્રુઆરીથી તા.૩૧મી મે એટલે કે ૧૦૪ દિવસ સુધી સમગ્ર રાજ્યમાં ચાલવાનું છે. સરકાર દ્વારા ગુજરાતમાં મે–2018 થી સુજલામ-સુફલામ જળ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારથી અત્યાર સુધીમાં આ અભિયાન હેઠળ પાંચ તબક્કા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા છે. જનભાગીદારી થકી યોજાયેલ આ અભિયાનમાં છેલ્લા પાંચ વર્ષમાં રાજયભરમાં જળસંગ્રહ માટેના અનેક કામો પૂર્ણ થયા છે. જેના કારણે જળ સંગ્રહ ક્ષમતામાં વધારો થયો અને રાજ્યના 33 જિલ્લાઓમાં અનેક તળાવો ઉંડા કરવામાં આવ્યા છે.
આજરોજ સુજલામ સુફલામ અભિયાન અંતર્ગત કુંવારા ગામની રામજી વાડી, સંસ્કારભવન ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ગ્રામજનોને સંબોધિત કરતા માન.મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતુ કે, આજે આપણા સૌ માટે આનંદનો દિવસ છે. માન.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આજરોજ રાજ્યના 33 જિલ્લામાં એકસાથે સુજલામ સુફલામ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પહેલાના સમયમાં નદીઓ વહેતી દેખાતી અને તળાવો ભરેલા દેખાતા. પરંતુ જેમ જેમ સમય ગયો તેમ તેમ તળાવો અને નદીઓના પાણીના તળ નીચા જતા ગયા. આ પ્રાણ પ્રશ્નના ઉકેલ માટે તેમજ પાણીના તળ ઉંચા લાવવા માટે સરકાર પ્રયત્નશીલ છે. આજે અનેક તળાવોનું નિર્માણ થઈ રહ્યું છે, અને દરેક વ્યક્તિના ઘરે પાણી પહોંચતું થયું છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સુજલામ સુફલામ અભિયાન હેઠળ દરેક જિલ્લામાં 75 તળાવો બને તેવો હેતુ નક્કી કરવામાં આવ્યો છે. આજે ગુજરાત તમામ બાબતમાં વિકાસ કરી રહ્યું છે. ‘’હર ઘર નલ અને હર નલ મેં જલ’’ તેમજ ‘’હર ખેત મેં પાની’’ના ઉદેશ્ય સાથે આજે સરકાર દ્વારા કાર્ય કરવામાં આવી રહ્યું છે. મારે ગામના દાતાઓને અપીલ કરવી છે કે, ગામમાં પાણીની વ્યવસ્થા માટે તેઓ આગળ આવે. તેમજ ગ્રામજનો પાણીનું મહત્વ સમજે અને વરસાદનું પાણી એકઠું કરવાની પણ વ્યવસ્થા કરે જેથી ભવિષ્યમાં પાણીનો પ્રશ્ન ન રહે. લોકભાગીદારીથી જ સુજલામ સુફલામ અભિયાન ખરા અર્થમાં સાર્થક થશે.
આજરોજ સિદ્ધપુરના કુંવારા ગામે આયોજીત સુજલામ સુફલામ અભિયાનના શુભારંભ પ્રસંગે માન.મંત્રી બળવંતસિંહ રાજપૂત, નંદાજી ઠાકોર, જિલ્લા કલેક્ટર સુપ્રિતસિંઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી, ટી.ડી.ઓ સિદ્ધપુર, ગામના આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.