પાટણ : મિત્રની હત્યામાં 9 વર્ષથી ફરાર આરોપીને LCBએ દબોચી લીધો
પાટણ શહેરનાં હત્યાના ગુનાનો આરોપી પશ્ચિમ બંગાળનો સાદિક ઉર્ફે મિઝાનુર ઉર્ફે મયુદ્દીન અસાદુલ શેખ લાંબા સમયથી નાસતો ફરતો હતો. પોલીસ તેને પકડવા માટે પ્રયાસો કરતી હતી છતાં તે મળી આવતો ન હોવાથી સરકારે તેને પકડવા માટે રૂ.10,000નું ઇનામ જાહેર કર્યું હતું. પાટણ એલસીબીની ટીમે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સ દ્વારા આરોપીને કર્ણાટક રાજ્યના બેલાગાવી (બેલગાવ)થી પકડી પાડ્યો છે.
પોલીસે શખ્સની પૂછપરછ કરતાં વર્ષ 2015માં આરોપી અને મૃતક રોબીઉલ શેખ તેમજ હસીબુલઅલી શેખ ત્રણે જણા ભાડાના મકાનમાં રહેતા હતા અને પાટણની એક સોનીની દુકાન ઉપર સોની કામ કરતા હતા એક દિવસ આરોપી અને તેના મિત્ર રોબીઉલ શેખ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પોતે આવેશમાં આવી કાનની નીચે ગળાના ભાગમાં ચાકુ મારતાં તેનો મિત્ર લોહી લુહાણ થઈ ગયો હતો. તે ગભરાઈ જતા પાટણથી તેના વતન પશ્ચિમ બંગાળ નાસી ગયો હતો. સારવાર દરમિયાન તેના મિત્રનું મોત થયું હતું.
પાટણ એલસીબી પીએસઆઇ આર.કે.પટેલે જણાવ્યું હતું કે હત્યાનો આરોપી છેલ્લા 9 વર્ષથી પકડાતો ન હોવાથી સરકારે તેને પકડવા પર રૂ.10,000નું ઇનામ જાહેર કરેલું છે. પાટણથી 1400 કિલોમીટર દૂર કર્ણાટક ખાતેથી તેને દબોચી લીધો છે. તે મસ્જિદમાં નમાજ પઢવા આવતાં તેને પકડી લીધો છે. પોલીસે લગભગ 6 કલાક જેટલો સમય તેની વોચ કરવા ઉભી રહી હતી.