ચીનના HMPV વાઈરસનો ગુજરાતમાં પ્રથમ કેસ – જાણો કયા શહેરમાં
ચીનના HMPV વાઈરસનો ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાયો છે. અમદાવાદમાં 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. અગાઉ કર્ણાટકમાં 3 અને 8 મહિનાના બે બાળકો સંક્રમિત થયા હતા. આ મામલે ગુજરાત સરકારે એડવાઈઝરી પણ બહાર પાડી છે.
ચીનમાં ફેલાયેલા કોરોના જેવા વાઈરસના કેસ હવે ભારતમાં જોવા મળી રહ્યા છે. આ વાઈરસનું નામ હ્યુમન મેટાન્યૂમોવાઇરસ (HMPV) છે. ભારતમાં એક કેસ અમદાવાદમાં અને બે કેસ કર્ણાટકમાં જોવા મળ્યા છે. સંક્રમિતોમાં એક 2 મહિનાનું બાળક, 8 મહિનાનું બાળક અને 3 મહિનાની બાળકીનો સમાવેશ થાય છે.
ભારતમાં HMPV વાયરસના આ પ્રારંભિક કેસો છે. 3 મહિનાની બાળકીને બેંગલુરુની બેપ્ટિસ્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, તેણીને બ્રોન્કોપ્યુનિમોનિયાને કારણે દાખલ કરવામાં આવી હતી.
વાઈરસથી સંક્રમિત થવા પર દર્દીમાં શરદી અને કોવિડ-19 જેવા લક્ષણો જોવા મળે છે. તેની સૌથી વધુ અસર નાના બાળકો પર જોવા મળી રહી છે. આમાં 2 વર્ષથી નાની ઉંમરના બાળકો સૌથી વધુ અસરગ્રસ્ત છે.
આ રીતે HMPV વાઈરસ ફેલાય છે
- HMPV વાઈરસ મુખ્યત્વે ખાંસી અને છીંક દ્વારા ફેલાય છે.
- સંક્રમિત વ્યક્તિને સ્પર્શ કરવાથી અથવા હાથ મિલાવવાથી પણ આ વાઈરસ ઝડપથી ફેલાઈ શકે છે.
- ચેપ લાગ્યાના અંદાજે 5 દિવસમાં આ વાઈરસના લક્ષણો દેખાવા લાગે છે.
- નિષ્ણાતોના મતે, આ વાઈરસ હંમેશા હાજર રહે છે, પરંતુ તે ઠંડા હવામાનમાં વધુ સક્રિય બને છે અને લોકોમાં ઝડપથી ફેલાય છે.
સાવચેતી:
- માસ્ક પહેરવું: ઘરની બહાર નીકળતા પહેલા માસ્કનો ઉપયોગ કરો, કારણ કે આ વાઈરસ ઉધરસ અને શરદી દ્વારા ફેલાય છે.
- સંક્રમિત વ્યક્તિ સાથે સંપર્ક ટાળો: ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે હાથ મિલાવશો નહીં.
- હાથ સાફ રાખો: ઘરે આવ્યા પછી હાથને સાવચેતીપૂર્વક ધોઈ નાખો.
- ડૉક્ટરની સલાહ વિના દવા ન લો: કોઈપણ દવા ડૉક્ટરની સલાહ વિના ન લો.
- ભીડવાળી જગ્યાએ ન જવું: જ્યાં ચેપ વધુ ઝડપથી ફેલાય તેવા સ્થળો પર જવાનું ટાળો.
આના દ્વારા HMPV વાઈરસના ફેલાવાને અટકાવી શકાય છે અને બીમારીથી બચી શકાય છે.