પાટણ નગરપાલિકાના સત્તાધિશો દ્વારા પાટણમાં પાણી એક ટાઇમ અને વેરો બમણો કરવાની હિલચાલ સામે રોષ
વેરો થોડો વધે તો ચાલે પણ ઉનાળામાં એક કલાક તો પાણી મળવું જ જોઇએ એવી લોકોમાં ચર્ચા
પાટણ નગર પાલિકાના સત્તાધીશો દ્વારા આગામી સમયમાં શહેરમાં પીવાના પાણીનો સમય ઘટાડીને પાણી વેરો બમણો કરવાની શરૂ કરેલ વિચારણા સામે શહેરીજનોમાં રોષ અને અસંતોષની લાગણી ફેલાઈ હોવાનું જાણવા મળે છે. પાટણ નગરપાલિકા દ્વારા શહેરીજનો પાસેથી ટેક્સ સ્વરૂપે લેવાતા વિવિધ વેરાના દરમાં વધારો કરવાનું સુચવાયું છે તેનાથી મોંઘવારીના સમયમાં મજૂરી કરીને માંડ પરિવારનું ગુજરાન ચલાવતા અનેક પરિવારોમાં વિરોધ અને અસંતોષની લાગણી ઉભી થવા પામી છે.
આ ઉપરાંત પાટણ શહેરમાં હાલમાં જે બે ટાઈમ પીવાનું પાણી આપવામાં આવે છે તેની જગ્યાએ એક જ ટાઈમ અને માત્ર પોણો કલાક જ પાણી આપીને પાણી વેરો બમણો લેવાની જે ગતિવિધિ હાથ ધરાઈ છે તેનાથી લોકોમાં નગરપાલિકાના સત્તાધીશો સામે રોષની લાગણી ઉભી થવા પામી છે.
પાટણ જિલ્લામાં આસપાસની નગરપાલિકાઓ દ્વારા નગરજનોએ દરરોજ એક કલાકથી વધુ સમય પાણી પૂરવઠો પૂરો પાડવામાં આવે છે તો પાટણ નગરપાલિકાના તંત્રએ પણ શહેરીજનોને ઓછામાં ઓછું એક કલાક અને નિયમિત તેમજ પુરા ફોર્ષથી પાણી આપવું જોઈએ એવી લોકચર્ચા જાગી છે.
કાળઝાળ મોંઘવારી હોવા છતાં વેરામાં થોડો વધારો કરાય તો તે ચાલે પરંતુ ઉનાળાના સમયમાં જ બે ટાઇમના બદલે એક જ ટાઈમ અને ૪૫ મિનિટ જ પાણી આપવાની નગરપાલિકાના સત્તાધીશોની વિચારણા સામે લોકોમાં રોષની લાગણી ઉભી થવા પામી છે.
પાટણ નગરપાલિકાના સત્તાધિશો દ્વારા આગામી બજેટ પૂર્વે વિવિધ વેરા વધારાની દરખાસ્ત કરાઇ છે અને તેને અમલમાં મૂકવા ગંભીર રીતે વિચારણા શરૂ કરાઇ છે ત્યાં જ શહેરીજનોમાં નગરપાલિકાની વેરા વધારવાની હિલચાલનો વિરોધ ઉઠી રહ્યો છે. લોકમુખે થતી ચર્ચા મુજબ પાટણ નગરપાલિકા લોકોને પીવાનું પાણી, રોડ-રસ્તા, ભુગર્ભ ગટર તેમજ બાગ-બગીચા જેવી સુવિધાઓ પુરી પાડવામાં ઉણી ઉતરી છે. ત્યારે વેરામાં વધારો કરતા પહેલા લોકોને પાયાની સુવિધાઓ પુરતા પ્રમાણમાં મળે તે જરૂરી હોવાનો લોકમત છે.