સિદ્ધપુરમાં મધરાતે લાગેલી આગમાં બેનાં મોત
સિદ્ધપુરમાં મોડી રાત્રે લાગેલી આગમાં બે લોકોના મોત થયા છે. જ્યારે ત્રણ લોકો દાઝી જતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. સિદ્ધપુરના તિરુપતિનગરમાં ગત મોડી રાત્રીએ રહેણાંક મકાનમાં અગમ્ય કારણસર આગ ભભૂકી હતી. જેમાં ઘરમાં ઉપરના માળે મીઠી નિંદર માણી રહેલા પરિવારના એક 4 વર્ષીય બાળક અને એક 65 વર્ષીય વૃદ્ધાનું ગુંગળામણના કારણે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જ્યારે પરિવારના અન્ય 3 લોકો આગની લપેટમાં દાઝી ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
સિદ્ધપુર શહેરમાં આવેલા તિરૂપતિ નગરના રહેતા જીતેન્દ્ર રાવલના મકાનમા ગત મોડી રાત્રે રસોડામાં કોઈ અગમ્ય કારણસર આગ ભભૂકી ઉઠતા અફરા તફરી મચી જવા પામી હતી. આગની ઘટનામાં મકાનમાં મીઠી નિંદર માણી રહેલા પરિવારના પાંચ સભ્યો પૈકીના નીચેના રૂમમાં નિંદર માણી રહેલા ત્રણ સભ્યો આગની લપેટમાં ઈજાગ્રસ્ત બન્યા હતા. જયારે ઉપરના માળે આરામ કરી રહેલા અને બહારગામથી આવેલા 65 વર્ષીય વૃદ્ધા અને 4 વર્ષીય બાળકનું આગના કારણે ઉઠેલા ધુમાડાના કારણે ગુંગળામણ થવાથી સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.
આગમાં ઈજાગ્રસ્ત બનેલા જીતેન્દ્રભાઈ સહિત અન્ય બે વ્યક્તિને સારવાર માટે પ્રથમ સિદ્ધપુર હોસ્પિટલમાં અને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.