મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ખેડૂતોને મોટી ભેટ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સ નિર્માણમાં જેમની બધી જ જમીનો સંપાદિત થઈ હોય તેવા ખેડૂતોના વ્યાપક હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
આવા પ્રોજેક્ટ્સમાં જેમની તમામ જમીનો સંપાદિત થઈ ગઈ હોય અને જે તે સમયે ખેડૂત પ્રમાણપત્ર ન મેળવવાને કારણે ખેડૂત મટી ગયા હોય તેવા ખેડૂતોએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણના રાજ્ય સ્વાગતમાં તેમના આ પ્રશ્નની રજૂઆત કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ સ્વાગતમાં રજૂ થતાં આવા જનહિતકારી પ્રશ્નોના ત્વરિત નિવારણનો અભિગમ અપનાવ્યો છે.
આ હેતુસર તેઓ લાંબા ગાળાના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે સંબંધિત વિભાગોને પણ પ્રો-એક્ટિવ એપ્રોચ માટે માર્ગદર્શન આપતા રહે છે.
તેમણે ખેડૂતોની સ્વાગત ઓનલાઈનમાં મળેલી રજૂઆતો અંગે સાનુકુળ અને પોઝિટીવ વ્યુ અપનાવીને આ પડતર રહેલા પ્રશ્નનું ત્વરાએ નિવારણ લાવી દીધું છે.
તદ્અનુસાર, રાજ્યમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સમાં જે ખેડૂતોની તમામ જમીન સંપાદિત થઈ હોય તેવા ખેડૂતોને ખેતીની જમીન ખરીદવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે રાજ્ય સરકારે તા.૨૬/૧૨/૨૦૦૮ના ઠરાવથી એવું સૂચવ્યું છે કે આવા ખેડૂતોને ખેડૂત પ્રમાણપત્ર સંબંધિત કલેકટર અથવા અધિકૃત અધિકારી આપી શકે છે.
આવું પ્રમાણપત્ર મળ્યાની તારીખથી ત્રણ વર્ષમાં જમીન ખરીદવાની જોગવાઈઓ પણ અમલમાં છે.
જે ખેડૂતોની તમામ જમીન સંપાદિત થઈ ગઈ હોવા છતાં પ્રમાણપત્રના અભાવે બિન ખેડૂત બન્યા હોય તેવા ખેડૂતોના વિશાળ હિતમાં ખેડૂત પ્રમાણપત્ર મેળવવાની સુલભતા કરતી એક તક આપવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વધુ એક હિતકારી નિર્ણય કરીને તે અંગેનો ઠરાવ પ્રસિદ્ધ કરવાના દિશા નિર્દેશો આપ્યા છે.
મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણય અનુસાર તા.૦૧/૦૫/૧૯૬૦થી એટલે કે ગુજરાતના અલગ રાજ્ય તરીકેના સ્થાપના કાળથી વિવિધ પ્રોજેક્ટ્સમાં ખેડૂતોની તમામ જમીન સંપાદિત થઈ હોય અને જે તે સમયે ખેડૂત પ્રમાણપત્ર મેળવી ન શક્યા હોય તેવા ખેડૂતો રાજ્ય સરકાર દ્વારા આ ઠરાવ પ્રસિદ્ધ થયાના એક વર્ષમાં પ્રમાણપત્ર મેળવવા માટે સંબંધિત કલેકટર સમક્ષ અરજી કરી શકશે.
આવી અરજી મળ્યા પછી સંબંધિત કલેકટર દ્વારા જાતે ખરાઈ કરીને ખેડૂત પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવશે. એટલું જ નહીં, આવું પ્રમાણપત્ર મળ્યાના ત્રણ વર્ષમાં જે તે ખેડૂતને જમીન ખરીદી કરી લેવાની રહેશે.
રાજ્યના જે ખેડૂતોની જમીનો પ્રોજેક્ટ્સમાં સંપાદિત થઈ છે પરંતુ જે તે વખતે એ ખેડૂત પ્રમાણપત્ર મેળવી ન શકેલા ખેડૂતો કે જે ખેડૂત મટી ગયા છે તેમને મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણયના પરિણામે ખેતી કરવાનું પ્રોત્સાહન મળશે.
આ ઉપરાંત જે ખેડૂત પોતાનાં ખાતાના સર્વે નંબર પૈકી બચત રહેલો એક માત્ર સર્વે નંબર બિનખેતી કરાવે તેના કારણે ખેડૂત મટી જતા હતાં.
આવા કિસ્સામાં ખેડૂત પ્રમાણપત્ર મેળવવાની કોઈ જોગવાઈ ન હોવાના કારણે ખેતીની જમીન ખરીદવામાં તેઓ મુશ્કેલી અનુભવતા હતા. એવી રજૂઆતો મુખ્યમંત્રીશ્રી સમક્ષ અવારનવાર ખેડૂતો દ્વારા આવી હતી.
આવી રજૂઆતોના સંદર્ભમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે એવો નિર્ણય કર્યો છે કે, હવે પછી પોતાની ખેતીની જમીનનો છેલ્લો સર્વે નંબર પણ બિનખેતી થયા બાદ કોઈ ખેડૂત, ખેડૂત પ્રમાણપત્ર માંગે તો આવી જમીન બિનખેતી થયા બાદ એક વર્ષમાં ખેડૂત પ્રમાણપત્ર આપવાનું રહેશે. ખેડૂતે આ પ્રમાણપત્રની તારીખથી બે વર્ષમાં જમીન ખરીદી કરવાની રહેશે.
આ અંગેનો ઠરાવ પ્રસિદ્ધ થયાના એક વર્ષ પહેલાંથી આ પ્રકારે બિન ખેડૂત થયેલા અરજદારોને પણ આ નિર્ણયનો લાભ મળશે.
- બ્રશ છે કે સ્માર્ટફોન? 180 દિવસનો બેટરી બેકઅપ, 6 મોશન સેન્સર, ટાઇપ-સી ચાર્જિંગ અને વધુ, જાણો કેટલી છે કિંમત?
- પાટણ : બાઇક ચાલકે મહિલાને અડફેટે લેતાં મોત
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ખેડૂતોને મોટી ભેટ
- મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના : ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 41 લાખથી વધુ વિદ્યાર્થીઓને થશે ફાયદો