પાટણમાં રસોયાને હનીટ્રેપમાં સપડાવનાર ટોળકીનો વધુ એક શખ્સ ઝડપાયો
Honeytrap : પાટણ શહેરનાં રસોઈયાને હનીટ્રેપમાં ફસાવીને તેનું અપહરણ કરી ગાડીમાં ઠેરઠેર ફેરવીને તેની પાસેથી રૂા.1,35,000રોકડા અને તેનાં બેંક એકાઉન્ટમાંથી રૂા 60,706 મળી કુલ રૂા. 195,706 ની મતા પડાવનારી એક મહિલા અને તેનાં ત્રણ અજાણ્યા સાગરીતો પૈકી નાસતા ફરતા એક શખ્સ મોહિત નરેશભાઇ જોશી રે. રાજકોટ વાળાની પાટણ બી-ડીવીઝન પોલીસે રાજકોટ ખાતેથી ધરપકડ કરી હતી. અને તેને પાટણની જયુડીસીયલ કોર્ટમાં રજુ કરીને પોલીસે ત્રણ દિવસનાં રિમાન્ડ માંગતા ઇન્ચાર્જ મેજિસ્ટ્રેટ એસ.એસ. જાનીએ તા. એક દિવસ ના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
તા. 21-9-23 ના રોજ પાટણમાં કેટરિંગ અને મંડપનું કામ કરતા જિતેન્દ્ર સોલંકીને ફેસબુક પર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલીને ‘જીયા’ નામની અજાણી યુવતિ તેને પાટણ મળવા આવતાં તેની સાથેનાં અન્ય ત્રણ અજાણ્યા શખ્સોએ જિતેન્દ્રનું અપહરણ કરી ગાડીમાં બેસાડી ઠેરઠેર ફેરવી તેની પાસેની રોકડ અને બેંક એકાઉન્ટમાંથી બળજબરીપૂર્વક પૈસા કઢાવીને બળાત્કારનાં કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી ને તેને માર મારી રાત્રે 9-30 વાગે ચાણસ્માનાં લણવા ગામે ઉતારી મુક્યો હતો. જે કેસમાં પોલીસે અગાઉ જીયા નામ ધારી યુવતિની અટકાયત કરી હતી. એ પછી તેનાં અન્ય સાગરીતો પૈકી ઉપરોકત નાસતા ફરતા આરોપી મોહિતની ધરપકડ કરી હતી. આ રિમાન્ડ અરજીમાં સરકારી વકીલ સી.એસ. દરજીએ રજુઆત કરી હતી.