પાટણ શહેરની ઓળખ એવા ઐતિહાસિક ત્રણ દરવાજા જાળવણીના અભાવે જર્જરિત
પાટણ શહેરની ઓળખ એવા ત્રણ દરવાજા તેની જાળવણીના અભાવે દરવાજાઓને નુકશાન પહોંચી રહ્યું છે. સાથે સાથે આ દરવાજામાં લગાવવામાં આવેલી ઘડીયાળ પણ છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં જોવા મળી રહી છે ત્યારે તેને ફરી શરૂ કરાવવા માટે અને તેની જાળવણી કરવા તેમજ ત્રણ દરવાજામાં થતી ટ્રાફીકની સમસ્યા દૂર થાય તે માટેના પ્રયત્નો કરવા માટે નગરપાલિકાની સામાન્ય સભામાં રજૂઆત થવા પામી હતી.
પાટણ નગરપાલિકા ખાતે તાજેતરમાં મળેલી સામાન્ય સભાની બેઠકમાં પાટણ શહરેના મદારસાથી દોશીવટ બજાર તરફ જવાના માર્ગ પર જૈન શ્રેષ્ઠીઓ દ્વારા બનાવવામાં આવેલા કિલાચંદ ક્લોક ટાવર જે ત્રણ દરવાજા તરીકે ઓળખાય છે. જે પાટણની એક આગવી ઓળખ છે ત્યારે આ ત્રણ દરવાજા ધીમેધીમે જર્જરીત થઈ રહ્યા છે સાથે સાથે આ ત્રણ દરવાજામાં લગાવવામાં આવેલી ઘડીયાળ પણ છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં જોવા મળી રહી છે. આમ આ ત્રણ દરવાજા અને તેની ઘડીયાળની જાળવણીના અભાવે પાટણની આગવી ઓળખ સમા આ દરવાજા ધીમેધીમે તેનું મહત્વ ઓછું થઈ રહ્યું છે. વધુમાં દરવાજાની ઉપર વડ અને પીંપળા જેવા વૃક્ષો પણ ઉગવા લાગ્યા છે જેથી ભવિષ્યમાં આ વૃક્ષો મોટા થવાના કારણે દરવાજાને પણ મોટુ નુકશાન થવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

વધુમાં ત્રણ દરવાજાના ગેટ અગાઉ ત્રણેય ગેટ ખુલ્લા રહેતા હતા. જેથી વાહનચાલકોને અવરજવરમાં પણ સરળતા રહેતી હતી પરંતુ છેલ્લા ઘણા સમયથી આ દરવાજામાં ત્રણ દરવાજામાંથી બે દરવાજા સંપૂર્ણ બંધ થઈ ગયા છે. હાલ લોકોને અવરજવર માટે મુખ્ય એક દરવાજો ખુલ્લો બાકી રહ્યો છે જેના કારણે લોકોને અવરજવરમાં પણ મુશ્કેલી ઉભી થઈ રહી છે. ત્યારે નગરપાલીકા તંત્ર દ્વારા આ ત્રણ દરવાજાની જાળવણી કરવામાં આવે, બંધ ઘડીયાળને ફરી શરૂ કરાવવામાં આવે અને ત્રણેય દરવાજા ખુલ્લા થાય તે દિશામાં પ્રયત્ન કરવામાં આવે તેવી લોક માંગની સાથે સાથે નગરપાલિકામાં પણ આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો હતો અને આ અંગે એક સભ્ય દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે નગરપાલિકાના એન્જિનિયરનું પણ આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું હતું. દરવાજાને ઘડીયાળ ચાલુ થાય તે દિશામાં પ્રયત્નો કરવા માટે કહેવામાં આવ્યું હતું.
ગુજરાતના અનેક શહેરોમાં જ્યાં આવા ઘડીયાળ સાથેના ટાવર છે ત્યાં તેની યોગ્ય જાળવણી થાય છે અને ઘડીયાળ પણ નિયમિત ચાલુ જોવા મળે છે પરંતુ પાટણમાં પાલિકાની જાળવણીના આભાવે આ પાટણના ત્રણ દરવાજા ધીમેધીમે તેની ઓળખ ઓછી થઈ રહી છે ત્યારે આ દરવાજાને યોગ્ય રીતે જાળવણી કરવામાં આવે અને તેની બંધ ઘડીયાળને ફરી શરૂ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.