વઢિયાર પંથકના બાસ્પામાં મહર્ષિ દયાનંદ વિજ્ઞાન કોલેજનો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં શુભારંભ
વેદ અને વિજ્ઞાનના સમન્વયથી જ પૂર્ણતા પામી શકીશું : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
“નિર્વ્યસની, સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ અને સદાચારી યુવાનો આ દેશની સૌથી મોટી મૂડી છે”: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
ખેડૂતોને કરિશ્માઈ અને કલ્યાણકારી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવા રાજ્યપાલનો અનુરોધ
વઢિયાર પંથકમાં, પાટણ જિલ્લાના સમી તાલુકાના બાસ્પા ગામમાં આર્ય સેવા સંઘ દ્વારા મહર્ષિ દયાનંદ સાયન્સ કોલેજનો શુભારંભ કરાયો છે. આજના પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સાયન્સ કોલેજના નવા ભવનના શુભારંભ અવસરે સંબોધન કરતા જણાવ્યું હતુ કે, વૈદિક પરંપરાના અનુસરણ અને વેદોના અધ્યયનની સાથે વિજ્ઞાન અને ટેકનોલોજીના સમન્વયથી જ આપણે પૂર્ણતા તરફ આગળ વધી શકીશું. સમુદ્ર પર ગમે તેટલો વરસાદ પડે તે વ્યર્થ છે, પણ રણમાં વરસાદ પડે તો તે કલ્યાણકારી હોય છે. આર્ય સેવા સંઘે જ્યાં જરૂર છે એવા વિસ્તારમાં વિજ્ઞાન કોલેજનો આરંભ કરીને સમાજ માટે શુભકાર્ય કર્યું છે.
આજે વઢિયાર પંથકમાં પાટણ જિલ્લાનાં સમી તાલુકાના બાસ્પા ગામે આર્ય સેવા સંઘ દ્વારા મહર્ષિ દયાનંદ માસ્ટર ઓફ સાયન્સ કોલેજનો શુભારંભ કરાયો હતો. મહર્ષિ દયાનંદ વિદ્યાસંકુલ મધ્યે આયોજીત આ પ્રસંગે ગુજરાતનાં માન.રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યાં હતાં. આ શુભ પ્રસંગે પાટણ જિલ્લાના વિરલ વ્યક્તિત્વ પદ્મભૂષણ પ.પુ.સ્વામી સચિદાનંદજી પરમહંસ, ભક્તિ નિકેતન આશ્રમ, દંતાલી તેમજ પદ્મ માલજીભાઇ દેસાઈ, સંચાલક, ગાંધી આશ્રમ ઝીલીયાનું સન્માન કરવામાં આવ્યું હતુ.
બાસ્પામાં આયોજિત સમારોહમાં ગાંધીનગરથી વર્ચ્યુઅલી જોડાયેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વધુમાં જણાવ્યું કે, ગુજરાતની ધરતીએ પૂજ્ય મહાત્મા ગાંધી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ઉપરાંત ઋષિ દયાનંદ સરસ્વતીજી જેવા સમાજ સુધારક મહર્ષિ પણ આપ્યા છે, જેમણે આઝાદીના આંદોલન સમયે યુવા અને જનમાનસને ક્રાંતિ માટે પ્રેરિત કર્યું હતું. સામાજિક કુરિવાજો અને દૂષણો દૂર કરીને સમાજમાંથી ભેદભાવ નાબૂદ કરી પ્રજાજનોના કલ્યાણનો માર્ગ પ્રશસ્ત કર્યો હતો. આજે એ જ પરંપરા પ્રમાણે ભારતમાં અને વિદેશમાં 1,000 થી વધુ સ્કૂલ કોલેજો અને ગુરુકુળની શૃંખલા સરળ, પવિત્ર, ધર્મિષ્ઠ, પરોપકારી અને સત્યના માર્ગે ચાલનારા યુવાનોના નિર્માણ માટે કાર્યરત છે. આર્ય સેવા સંઘ, બાસ્પા દ્વારા વિજ્ઞાન કોલેજની સ્થાપના આ દિશામાં મહત્વનું યોગદાન છે.
વર્ચ્યુઅલ સંબોધન કરતા રાજ્યપાલ યુવાનો વિશે વાત કરતા જણાવે છે કે, નિર્વ્યસની, સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત અને સદાચારી યુવાનો આ દેશની સૌથી મોટી મૂડી છે. આવા યુવાનોથી સારા પરિવારનું નિર્માણ થશે. પરિવાર સારો હશે તો સમાજ શ્રેષ્ઠ બનશે. શ્રેષ્ઠ સમાજથી જ ઉત્તમ રાષ્ટ્રનું નિર્માણ થશે. ઋષિ દયાનંદ સરસ્વતીજી કહેતા કે, પ્રત્યેક વ્યક્તિએ તમામની ઉન્નતીમાં જ પોતાની ઉન્નતિ જોવી જોઈએ. આ માટે પ્રત્યેક વ્યક્તિ એકમેકનો સહારો બને. આ રીતે સૌએ રાષ્ટ્રની એકતા અને અખંડતા માટે સહયોગી બનવું પડશે. આવનારી પેઢીને-બાળકોને આ દિશામાં પ્રેરિત કરવા પડશે. આર્ય સમાજીઓ ગ્રામીણ ક્ષેત્રોમાં પ્રત્યેક બાળક સુધી આ વિચાર અને ચિંતન પહોંચાડવા પ્રયત્નશીલ થાય એ સમયની માંગ છે.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતોને સંબોધન કરતાં રાજ્યપાલએ કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રાકૃતિક ખેતીના મિશનને જન આંદોલન બનાવી રહ્યા છે. આજે ગુજરાતમાં ત્રણ લાખ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવી છે. દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ કરિશ્માઈ કાર્યક્રમ છે. આ પદ્ધતિથી ખર્ચ ઘટશે, આવક વધશે, પર્યાવરણને ફાયદો થશે, જમીનની ફળદ્રુપતા વધશે અને પ્રતિવર્ષ ભારત સરકારના અઢી લાખ કરોડ રૂપિયા; જે રાસાયણિક ખાતર અને પેસ્ટીસાઈડ્સની ખરીદી માટે વિદેશોમાં વપરાઈ જાય છે, તે પણ બચી જશે. તમામ ખેડૂતોને કલ્યાણકારી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવા તેમણે અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આર્ય વીર દળ અને આર્ય સમાજે આવા લોકકલ્યાણના જન આંદોલનોમાં આગળ આવવું જોઈએ. સામાજિક જવાબદારી માટે જાગૃત થવા તેમણે સૌને આહ્વાન કર્યું હતું.
આ પ્રસંગને અનુરૂપ આર્શીવાદ આપતાં પદ્મ વિભૂષણ પ. પૂ સ્વામી સચિદાનંદજીએ જણાવ્યું હતુ કે, આજે જીવનમાં વિચારોનું સમન્વય કરીને જીવવામાં આવે ત્યારે જ જીવન સાર્થક બનશે. ઉપરાંત વૈજ્ઞાનિક પ્રયોગશાળા બનવી તેનો સાર્થક ઉપયોગ કરવામાં આવે તેમાં જ માનવ કલ્યાણ રહેલું છે. જ્યારે પદ્મ માલજીભાઈ દેસાઈએ જણાવ્યું કે, મેં આ વિસ્તારમાં જળ અને શિક્ષણના પ્રશ્નોના ઉકેલ લાવવામાં ખૂબ જ પ્રયત્નો કર્યા છે. હું લોકોને અનુરોધ કરું છુ કે આ જનતા પરમ પૂજ્ય સ્વામીજીનું ‘છેલ્લી ટ્રેન’ પુસ્તક વસાવી જરૂર વાંચે. આ કાર્યક્રમમાં મહેમાનોનું સ્વાગત વિદ્યાસંકુલનાં ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવ્યું હતુ. તેમજ આભારવિધી કૉલેજ ઓફ એજ્યુકેશનનાં પ્રિન્સિપાલ ગઢવી યોગેશકુમારજી દ્વારા કરવામાં આવી હતી.
આજે આયોજીત આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહ્યાં હતા. આ ઉપરાંત પદ્મ વિભૂષણ પ. પૂ સ્વામી સચિદાનંદજી , પદ્મશ્રી માલજીભાઈ દેસાઈ, રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, ચાણસ્માના ધારાસભ્ય દશરથજી ઠાકોર ઠાકોર, સ્વામી બ્રહ્મવિદાનંદજી સરસ્વતી, આચાર્ય શ્રી દર્શન યોગ વિધાલય રોજડ , મનસુખભાઇ વેલાની – પ્રમુખ આર્યવન વિકાસ ટ્રસ્ટ , આચાર્ય દિનેશ જી – દર્શન મહાવિદ્યાલય રોજડ , આચાર્ય પ્રિયેશ જી – દર્શન યોગધામ લાકરોડા, દિનેશભાઈ શાહ મંત્રી, હેમલતાબેન વેલાની ટ્રસ્ટી આર્યવત રોજડ, મણીલાલ પોકાર વાનપ્રસ્થ સાધક આશ્રમ રોજડ, તેમજ ઉપરાંત શ્રી આર્ય સેવા સંઘ સંચાલિત મહર્ષિ દયાનંદ વિદ્યા સંકુલ સંસ્થાના પ્રમુખ અજમલભાઈ આર્ય, મેનેજીંગ ડાયરેક્ટર મૌલિકભાઇ ભોજક ઉપરાંત મહામંત્રી ભાવેશભાઇ પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.