કમોસમી વરસાદની આગાહીના પગલે ખેડૂતોને ઊભા પાકોની કાળજી રાખવા ખેતીવાડી વિભાગનો અનુરોધ
આગામી દિવસોમાં કમોસમી વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને ખેડૂતોએ ઊભા પાકોમાં કાળજી રાખવા માટે પાટણ જિલ્લા ખેતીવાડી વિભાગે અનુરોધ કર્યો છે. જિલ્લામાં વાદળછાંયા વાતાવરણ અને માવઠાની શક્યાતા છે. પાટણ જિલ્લામાં હાલમાં રવિ પાકોનું 2022 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. જેમાં ઘઉં, રાઈ, ચણા, જીરૂ, ઈસબગુલ, ઘાસચારો, તથા શાકભાજી વગેરે પાકોનો સમાવેશ થાય છે. તેથી આ પાકોને માવઠાના પગલે નુકશાની ન થાય તે માટે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા પાકોની કાળજી લેવાનો ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે.
જિલ્લા ખેતીવાડી અધિકારીની અખબારીયાદીમાં જણાવ્યા મુજબ ખેડૂતોએ વાવણી થયેલ ખેતરોમાં પાણી ના ભરાય તેની કાળજી રાખવી તથા યોગ્ય પાણીના નિકાલની જરૂરીયાત મુજબ વ્યવસ્થા કરવી. કાપણી કરેલ તૈયાર પાક ગોડાઉન અથવા સુરક્ષિત જગ્યાએ રાખવા, ઘાસચારાના ઢગલા વ્યવસ્થિત જગ્યાએ ઢાંકીને રાખવા, એપીએમસી માં અનાજ કે ખેતપેદાશ સુરક્ષિત રાખવા તેમજ અનાજ કે ખેતપેદાશો તાડપત્રીથી ઢાંકીને રાખવા જેથી માવઠાની શક્યતાના પગલે પાકને સુરક્ષિત રાખી શકાય.