પાટણ જિલ્લાની બે હોસ્પિટલ સામે કાર્યવાહી – PMJAYમાં ગેરરીતિ બદલ પાટણની 2 હોસ્પિટલ સસ્પેન્ડ
અમદાવાદની ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં PMJAY યોજનામાં ગેરરીતિનો મામલો સામે આવ્યા બાદ રાજ્ય સરકાર સતર્ક બની છે અને રાજ્યના અન્ય જિલ્લાઓમાં આ યોજનામાં ચાલતી ગેરરીતિ પકડવા કામે લાગી છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય – મા યોજના અંતર્ગતની SAFU(સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ)એ તજજ્ઞ તબીબોની ટીમ સાથે રાખીને રાજ્યમાં આ યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી શંકાસ્પદ હોસ્પિટલ્સની મુલાકાત કરી હતી, જેના અંતર્ગત ગત અઠવાડિયામાં તા. 2 ડિસેમ્બરથી 8 ડિસેમ્બર સુધીમાં રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં 5 હોસ્પિટલ અને 2 ડૉક્ટરની ગેરરીતિઓ સામે આવી છે.
પાટણ જિલ્લાની હીર ચિલ્ડ્રન હોસ્પિટલ, નિષ્કા ચિલ્ડ્રન હોસ્પિટલ અને નિયોનેટલ કેર, દાહોદ જિલ્લાની સોનલ હોસ્પિટલ, અમદાવાદ જિલ્લાની સેન્ટારા ઓર્થોપેડિક હોસ્પિટલ અને અરવલ્લી જિલ્લાની શ્રી જલારામ ચિલ્ડ્રન હોસ્પિટલમાં વિવિધ ત્રુટિઓ અને ગેરરીતિ જણાઇ આવતાં PMJAY-મા યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે.
પાટણની હીર હોસ્પિટલમાં મુલાકાત દરમિયાન પ્રી-ઓથ દરમિયાન કુલ 91 જેટલા લેબ રિપોર્ટમાં છેડછાડ અને નિયોનેટલ કેરમાં હાયર પેકેજ સિલેક્ટ કર્યા હોવાનું માલૂમ પડ્યું, જેથી હીર હોસ્પિટલ અને એમાં ફરજરત ડૉ. હિરેન પટેલને યોજના અંતર્ગત સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હેલ્થ સ્પ્રિંગ 24 પેથોલોજી લેબોરેટરી પાટણને પણ આ યોજના અંતર્ગત સસ્પેન્ડ કરાયા છે. વધુમાં હોસ્પિટલમાં રૂ. 50,27,7૦૦ની રિકવરી અને પેનલ્ટી પણ કરાઇ છે.
પાટણની નિષ્કા ચિલ્ડ્રન હોસ્પિટલ અને નિયોનેટલ કેર સેન્ટરમાં પ્રી-ઓથ દરમિયાન કુલ 60 જેટલા રિપોર્ટમાં છેડછાડ અને હોસ્પિટલ દ્વારા જે લેબોરેટરીનું ટાઇઅપ કરેલું છે તેમની પાસે દર્દીના લેબ રિપોર્ટ માગવામાં આવતાં રિપોર્ટ ઉપલબ્ધ ન હોવાનું જણાઇ આવ્યું, જેથી હોસ્પિટલ તેમજ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉ. દિવ્યેશ શાહને યોજના અંતર્ગત સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વધુમાં શિવ ડાયગ્નોસ્ટિક લેબોરેટરી, પાટણને પણ આ યોજના અંતર્ગત સસ્પેન્ડ કરાઇ છે. હોસ્પિટલને કુલ રૂ. 15,16,350ની રિકવરી અને પેનલ્ટી પણ કરવામાં આવી છે.
- પાટણના ઉદ્યોગ સાહસિકનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરાયું સન્માન
- દિયોદર માં ૧૦૮ની ટીમે સેવાની સાથે પ્રમાંણિકતાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું
- PM Kisan Samman Nidhi : ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ ઘરે બેઠાં મળશે
- હારીજ તાલુકાના થરોડ ગામે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને યોજનાકીય માહિતી અપાઈ