PM Kisan Samman Nidhi : ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ ઘરે બેઠાં મળશે
PM Kisan Samman Nidhi : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ બિહારના ભાગલપુરમાં ૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૫ ના રોજ ‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ’ યોજનાનો ૧૯ મો હપ્તો બહાર પાડી એક ક્લિકથી ડીબીટી મારફતે દેશભરના 2.41 કરોડ મહિલાઓ સહિત 9.8 કરોડથી વધુ લાભાર્થી ખેડુતોના બેંક ખાતામાં સીધી રીતે 22 હજાર કરોડથી વધુ રકમ ટ્રાન્સફર કરી છે. હવે લાભાર્થી ખેડૂત ઘરે બેસીને આ રકમ તાત્કાલિક મેળવી શકે છે. પોસ્ટમેનના માધ્યમથી ખેડૂતો પોતાના બેંક ખાતા સાથે આધારકાર્ડ અને મોબાઈલ નંબર લિંક કરી અથવા અપડેટ કરવાનો વિકલ્પ સ્વીકારી ઘરે બેઠાં ‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ’ યોજનાનો લાભ મેળવી શકે છે.
ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે, ખેડૂતો પોતાના ખાતામાં જમા થયેલ ડીબીટી રકમ ઘરે બેસીને પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવકના માધ્યમથી ઉપાડી શકે છે. આ માટે ખેડૂતોએ કોઈ બેંકની શાખા અથવા એટીએમ પર જવાની જરૂર નહીં પડે. દેશની કોઈપણ બેંકમાં આવેલા મોબાઇલ અને આધાર લિંકડ ખાતા દ્વારા ઘરે બેસીને આધાર ઇનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમના માધ્યમથી એક દિવસમાં ₹10,000/- સુધીની રકમ કાઢી શકાય છે. આ માટે ડાક વિભાગ દ્વારા કોઈ શુલ્ક નથી લાગતું.

આ ઉપરાંત પોસ્ટ વિભાગ પીએમ કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતો માટે મોબાઇલ નંબરને આધાર સાથે જોડવા/અપડેટ કરવાની સુવિધા પણ પ્રદાન કરે છે. આ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક મારફતે ઇ-કેવાયસી પૂર્ણ કરવા માટે છે.
ઉલ્લેખનીય છે કે ખેડૂતોની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે ફેબ્રુઆરી 2019માં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની શરૂઆત કરવામાં આવી હતી. આ અંતર્ગત લાભાર્થી ખેડૂતને એક વર્ષમાં ₹6,000/-ની રકમ આપવામાં આવે છે. લાભાર્થી ખેડૂતને આ રકમ દર 4 મહિનાના અંતરે ત્રણ હપ્તામાં બે-બે હજાર રૂપિયા કરીને તેમના ખાતામાં ડીબીટી દ્વારા ટ્રાન્સફર કરવામાં આવે છે.
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે વર્તમાનમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ હેઠળ લાભાર્થીઓને રકમનું વિતરણ ડાકઘર અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના માધ્યમથી કરવામાં આવી રહ્યું છે. આ યોજનાઓમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, ગંગા સ્વરૂપ યોજના, શિષ્યવૃત્તિ, નમો લક્ષ્મી શિષ્યવૃત્તિ યોજના, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા પેન્શન યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, અને ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિકલાંગતા પેન્શન યોજના વગેરે સામેલ છે.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકમાં 1.62 કરોડથી વધુ ખાતાઓમાં ₹3252 કરોડની રકમ જમા કરવામાં આવી છે. આ બેંકનો આ યોજનામાં 14.7%નો માર્કેટ શેર છે. આ કોઈપણ બેંકમાં જમા થતી બીજી સૌથી મોટી રકમ છે. આ સફળતા ખેડૂતોના હિતમાં સરકારના સતત પ્રયાસોને દર્શાવે છે, જેના પરિણામે તેમને આર્થિક સહાય મળી રહી છે અને તેમના આર્થિક સશક્તિકરણની દિશામાં મહત્વપૂર્ણ પગલાં ઉઠાવવામાં આવી રહ્યા છે.
આ યોજનાનો લાભ લેવા માટે, તમારું બેંક ખાતું આધાર સાથે લિંક કરવું આવશ્યક છે. તેમજ, બેંક ખાતામાં ડીબીટી (ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર) વિકલ્પને પણ સક્રિય કરવું જરૂરી છે. જો તમે આ તમામ કાર્ય પૂરું કરી લીધું છે, તો તમે આ યોજના હેઠળ લાભ લઈ શકો છો.