પાલનપુરના ગાદલવાડામાં દલિત યુવકના વરઘોડામાં કાંકરીચાળો
પાલનપુર તાલુકાના ગાદલવાડામાં શુક્રવારે દલિત યુવકના વરઘોડા બાદ કાર ઉપર અજાણ્યા શખ્સે પથ્થર માર્યો હતો. જેની સુરક્ષા માટે ગઢ પીઆઇએ જાતે જ કાર ચલાવી હતી. જ્યારે વડગામના ધારાસભ્ય ગાડીમાં પાછળ બેઠા હતા. યુવકે વરઘોડામાં હુમલો થવાનો હોવા અંગે અગાઉથી પોલીસ રક્ષણ માંગ્યું હતુ.
ગાદલવાડામાં વકીલના વ્યવસાય સાથે સંકળાયેલા મુકેશભાઇ પરેચાના શુક્રવારે લગ્ન હતા. જેમના વરઘોડામાં હુમલો થવાની ભીતિ હોઇ પોલીસ રક્ષણ માંગ્યું હતુ. જ્યાં પોલીસ બંદોબસ્ત સાથે ઘોડા ઉપર વરઘોડો કાઢવામાં આવ્યો હતો. મુકેશ પરેચાએ જણાવ્યું હતું કે, ઘોડા ઉપરથી નીચે ઉતરી કારમાં બેઠા હતા. પોલીસ દૂર હતી. ત્યારે 200 મીટર આગળ ગયા ત્યારે અજાણ્યા શખ્સે કાર ઉપર પથ્થર માર્યો હતો. ઘટનાના પગલે ગઢ પીઆઇ કે. એમ. વસાવા ત્યાં દોડી આવ્યા હતા. જેમણે જાતે જ કાર ચલાવી હતી. તેમજ વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી કારની પાછળની સીટમાં બેઠા હતા. પોલીસ રક્ષણ સાથે લગ્ન કરીને પરત આવ્યા ત્યારે વળતાં પણ કાણોદર ગામથી ગાદલવાડા સુધી પીઆઇએ કાર ચલાવી સુરક્ષા પુરી પાડી હતી.