નદી આપણી સંસ્કૃતિ હોવાથી લોકમાતાનું સંબોધન કરીએ છીએ
પોરબંદર નજીક આવેલા માધવપુર ઘેડમાં આવેલી મહાપ્રભુજીની બેઠક એટલે આસ્થાનું કેન્દ્ર. આ બેઠકના પ્રેમાળ વ્યક્તિત્વ ધરાવતા મુખિયાજી પ્રદીપભાઈ ભટ્ટ “ભાયો” ખૂબ જ સંવેદનશીલ હૈયું ધરાવે છે. તેમને આ લખનારની એક પંક્તિ ખૂબ જ ગમી ગઈ હતી. તેથી આજે પણ તેમણે બેઠક મંદિરમાં ભાવિકોને સંદેશ આપતી એ પંક્તિ લખી રાખી છે..
” પાણીને ફૂટી વાણી, મને વાપરો જાણી જાણી” એ માટે પરમ મિત્ર પ્રદીપભાઈનો આભાર.
વાત પણ સાચી છે કારણ.. “જલ હે તો કલ હૈ” હા..જળ છે તો જ જીવન છે. આ વાત યાદ આવવાનું કારણ.. હમણાં હમણાં મહાશિવરાત્રિ પર્વએ વિદાય લીધી.
આ મહાશિવરાત્રિ પર્વને વડોદરામાં વિશ્વામિત્રી નદી પ્રેમીઓ દ્વારા કાલાઘોડા સ્થિત યવતેશ્વર ઘાટ પર ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરી ભવ્ય રીતે ઉજવણી કરી હતી.
આ કાર્યક્રમના સંચાલનમાં સમગ્ર રાજ્યમાં વસતા નદી પ્રેમીઓ પાસે નદીને લગતી પંક્તિઓ કે વિચાર મંગાવાયા હતા. એમાં ઘણા નદી પ્રેમીઓએ પોતપોતાની રીતે નદીને વર્ણવી છે.. આજે મારે આપને નદી વિશે નદી પ્રેમીઓ શું કહે છે? એનો રસાસ્વાદ કરાવવો છે.
મોટાભાગના વડોદરાવાસી પોતાની લોકમાતા વિશ્વામિત્રીને મળવા માટે તેના ઘાટ પર આવતા નથી. ‘એક્સક્યુઝ’ ગમે તે કાઢીને વાતને ટાળી દેતા હોય છે. જો માંને મળવા બાળક ના આવતું હોય તો માં કેટલી દુઃખી થાય ? એટલે જ માં વિશ્વામિત્રી અમુક અમુક વર્ષે પુર સ્વરૂપે આપણા ઘર સુધી આવીને આપણને સહુને મળે છે. એમ મારૂં માનવું છે. (સમજાય તેને વંદન)
હાલમાં અપ્રાકૃતિક સ્વરૂપમાં વહેતી વિશ્વામિત્રીને પ્રાકૃતિક સ્વરૂપમાં ફરી વહેતી થાય તે માટે સતત લડતા રહેતા નદી પ્રેમી અને એક્ટિવિસ્ટ રોહિત પ્રજાપતિ કહે છે કે
” ખુલ્લામાં શૌચ કરવાની મનાઈ છે, તો પછી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સુએજના ગંદા પાણી નદી સમુદ્રમાં છોડવાની છૂટ કેમ ? “
આ વેધક પ્રશ્નનો જવાબ મારી પાસે નથી. એટલે મૌન રહું છું આ પાસે હોય તો જણાવશો.
વડોદરાના જર્સેશ ગાઇએ પોતાની મનોવ્યથા..
“સ્મૃતિ સ્વપ્નોની વચ્ચે એક નદી, પણ..
હાલ ક્યાં વહે છે ખરા અર્થમાં નદી ? રૂપે વર્ણવી છે.
જૂનાગઢમાં વસતા કથાકાર અને કવિ યોગેશ પંડ્યા “સ્વજન”
“પર્વત પુત્રીનો પ્રેમ પાવક, મન એવું ઘુઘવતું.. સાગર ઝંખે. જલદી મળવા આવે મને નદી..
એવી પંક્તિ ટાંકે છે. કવિના અંતરનાદને વડોદરામાં વસતી સંવેદનશીલ શિક્ષિકા અને ગાયિકા ફાલ્ગુની રાજીવ વ્યાસે
“નદી કોઈને નડી નથી…
પાછી કદી ફરી નથી..”
પંક્તિમાં સરસ રીતે લખી છે…
વડોદરાના યવતેશ્વર ઘાટ પર આવેલા પુરાતન મંદિરમાં દરરોજ સેવા પૂજા કરનારા શિતેષ પાટિલે તો નદીને સ્વચ્છ રાખવાની આપણી જવાબદારી હોવાથી તેને સ્વચ્છ રાખવા માટેની શપથવિધિ લખી છે. અને ઘાટ પર આવનારને તે શપથવિધિ પ્રેમથી લેવડાવે છે.
વડોદરાના એક કવિ કૌરેશ વછરાજાની …
“ભોળપણ છે એટલે તો આ નદી બસ, આંખ મીંચીને દોડતી જાય છે.. દોડતી જાય છે… દોડતી જાય છે..” એમ લખી પોતાની ઊર્મિઓ વ્યક્ત કરે છે.
નદીને પુન: પ્રાકૃતિક રૂપે વહેતી કરવા માટે મથામણ કરતા નદી પ્રેમી અને વિમલા તાઈના ભક્તિના રંગમાં રંગાયેલા રાજુભાઈ ઠક્કર
“નદી સંસ્કૃતિની સરિતા છે, સભ્યતાની સોડમ છે..” કહી પોતાની આસ્થા વ્યક્ત કરે છે.
“પર્વતમાંથી નીકળી દરિયામાં એકાકાર થવાને ચાલી.. લોકોની તરસ મિટાવતી ધરતીને તૃપ્ત કરતી એ ચાલી..”
વલસાડની કવયિત્રી પૂર્વી પટેલ “ઈશાની’ના ઉપરોક્ત શબ્દો પણ આપણી નદી પ્રત્યેની આસ્થામાં વધારો કરે છે..એટલે જ…
“આવકારે છે સૌને ઘાટ, ક્યારે આવશો તેની જુએ છે વાટ..”
સ્વામી મૌનાનંદના આ શબ્દો આપણને ઘાટ પર આવવા નોતરું આપે છે.
“ધરા તણી દીકરી હું,
‘ને નદી મારું નામ..
સૌ જનની પ્યારી બની,
જગ મારુ ગામ..”
અમરેલી જિલ્લાના શાખપુર ગામના જયસુખ જીકાદરાની નદી પ્રત્યેની ભાવના પણ અનુભવવા જેવી છે ને ?
તેની સામે
“માનવી વિકાસની હોડમાં ઉદ્યોગોના ઉત્સર્ગથી લોકમાતાને મલિન બનાવે છે.. ખેદ…ખેદ… ખેદ
મલીન નદીને જોઈને વડોદરાના વીણા સુરેશ અજમેરીના હોંઠેથી આવા શબ્દો સરી પડ્યા હતા.
નદીનું માતા સ્વરૂપ સહનશક્તિનું આભૂષણ હોવાથી સુરતના જ્યા એન રાણા કહે છે..
“અથડાતી – ફૂદતી, નદી વહીને
ધરાના જીવોને પોષીને પાળે છે,
કલ્યાણકારી ‘મા’ તું પૂજનીય છે. સ્વયંસિદ્ધા બની, સાગરમાં સમાઈ જાય છે.”
” શીતળ પર્વતોને પણ ત્યારે કેટલી જલન થઈ હશે!
નિજ ઘરેથી નીકળીને નદી ખારા દરિયાને મળી હશે.” પાલનપુરની નયના તુરી સોલંકી “નિશા”એ સાગર નદીના મિલનની વાતને બખૂબીથી લખી છે.
- PM-KISAN સન્માન નિધિ યોજનાના તમામ લાભાર્થીઓએ આગામી ૧૯ મા હપ્તાનો લાભ મેળવવા ફાર્મર રજિસ્ટ્રી હેઠળ સત્વરે નોંધણી કરાવવી
- બાગાયત વિભાગ પાટણ દ્વારા ”શાકભાજી પાકો માટે કલસ્ટર ડેવલોપમેન્ટ” એક દિવસીય સેમીનાર યોજાયો
- પાટણ એ ડિવિઝન પોલીસે ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી લીધો
- નવનિયુક્ત પાટણ જિલ્લા પોલીસ વડા ની શુભેચ્છા મુલાકાત લેતા બ્રહ્મ સમાજ ના આગેવાનો.