વડોદરામાં 111 ફૂટની રાજ્યની એકમાત્ર સુવર્ણ જડિત 12 કરોડની શિવજીની પ્રતિમાનો અદભૂત નજારો, મહાશિવરાત્રિએ લોકાર્પણ કરાશે
વડોદરા શહેરના સુરસાગર તળાવના મધ્યમાં આવેલી 111 ફૂટની શિવજીની પ્રતિમાને 12 કરોડ રૂપિયાના ખર્ચે સુવર્ણજડિત કરવામાં આવી છે. મહાશિવરાત્રિ પર્વ પહેલાં જ પ્રતિમાનું કપડાનું આવરણ દૂર કરવામાં આવ્યું છે. જોકે પ્રતિમાનું લોકાર્પણ 18 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ પર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે. શિવજીની પ્રતિમાને સુવર્ણજડિત કરવા માટે 17.5 કિલો સોનું વપરાયું હતું. સુવર્ણ જડિત શિવજીની પ્રતિમાનો અદભૂત આકાશી નજારો ડ્રોન કેમેરામાં કેદ થયો હતો.
દેવાધિદેવ મહાદેવની આરાધના કરવાના મહાપર્વ મહાશિવરાત્રિના પાવન દિવસે પરંપરાગત રીતે નીકળતી શિવજી કી સવારીની તડામાર તૈયારીઓ સત્યમ શિવમ સુંદરમ સમિતિ દ્વારા શરૂ કરવામાં આવી છે. એની સાથે શહેરના મધ્યબિંદુ સુરસાગર સ્થિત શ્રી સર્વેશ્વર મહાદેવની 111 ફૂટ ઊંચી પ્રતિમા હવે સુવર્ણજડિત થઈ જતાં મહાશિવરાત્રિ પર્વે એનું લોકાર્પણ કરવામાં આવશે. લોકાર્પણ પહેલાં આજે પ્રતિમાને ખુલ્લી મૂકવામાં આવતાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઊમટી પડ્યા હતા.
સાવલીવાળા સ્વામીજીની પ્રેરણાથી દેશમાં માત્ર ઉજ્જૈનમાં જ નીકળતી શિવજી કી સવારી જેવી સમગ્ર શિવ પરિવારની યાત્રા શિવનગરી વડોદરામાં પણ કાઢવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. વર્ષ-2013થી શિવજી કી સવારી કાઢવામાં આવી રહી છે અને આ શિવજી કી સવારીમાં સમગ્ર વડોદરા શહેરના લોકો ઉત્સાહભેર જોડાય છે.
2017માં શ્રી સર્વેશ્વર મહાદેવની 111 ફૂટ ઊંચી આદર્શનીય પ્રતિમાને સુવર્ણજડિત કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. વડોદરા શહેર-જિલ્લા, દેશ-વિદેશના અનેક દાતાઓએ ઉદાર હાથે ફાળો આપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. યોગાનુયોગ 5 ઓગસ્ટ 2020ના દિને એકબાજુ અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શ્રી રામમંદિરના નિર્માણનો પ્રારંભ થયો હતો અને બીજી બાજુ શિવનગરી વડોદરામાં શ્રી સર્વેશ્વર મહાદેવની પ્રતિમાને સુવર્ણ આવરણ ચઢાવવાના ભગીરથ કાર્યનો પ્રારંભ થયો હતો.
શિવજીની પ્રતિમાને સુવર્ણજડિત કરવા માટે અમેરિકામાં સ્થાયી ડૉ. કિરણ પટેલ અને દેશ- વિદેશના અનેક દાતાઓએ 111 ફૂટ ઊંચી શ્રી સર્વેશ્વર મહાદેવની પ્રતિમા પર આશરે 17.5 કિલોગ્રામ સુવર્ણ ચઢાવવા માટેના રૂપિયા 12 કરોડના અંદાજિત ખર્ચને પહોંચી વળવા ઉદાર હાથે દાન આપ્યું છે. હવે આખી પ્રતિમા સંપૂર્ણપણે સુવર્ણજડિત થઈ ગઈ છે, જેનું લોકાર્પણ આગામી 18 ફેબ્રુઆરી મહાશિવરાત્રિની સંધ્યાએ થશે.
મહાશિવરાત્રિની બપોરે 3-30 વાગ્યે પરંપરા મુજબ પ્રતાપનગર સ્થિત રણમુક્તેશ્વર મહાદેવના મંદિરથી મહાકાય નંદી પર બિરાજમાન શિવ પરિવાર નગરયાત્રાએ નીકળશે અને વર્ષોની પરંપરા મુજબ શિવજી કી સવારી વાડી-ચોખંડી- માંડવી-ન્યાયમંદિર-માર્કેટ-દાંડિયાબજાર થઈ સાંજે 7 વાગ્યે સુરસાગર પહોંચશે, જ્યાં 7:15 વાગ્યે મહાઆરતી યોજાશે, જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાશે અને મુખ્ય મહેમાનો દ્વારા સુવર્ણજડિત પ્રતિમા ખુલ્લી મુકાશે. મહાઆરતી બાદ શિવજી કી સવારી પરંપરાગત રૂટ પર આગળ વધશે અને ઉદયનારાયણ મંદિર સલાટવાડા ખાતે શિવજી કી સવારીનું સમાપન થશે.
શ્રી સર્વેશ્વર મહાદેવની પ્રતિમાના નિર્માણના કાર્યનો 1996માં શરૂ થયેલા અધ્યાયની સુવર્ણજડિત આવરણના અનાવરણ સાથે પૂર્ણ થશે. આ કાર્યમાં સહભાગી બનેલા ડૉ. કિરણ પટેલ, શ્નિલેશ શુક્લ, ક્રેડાઇના અધ્યક્ષ અને જાણીતા બિલ્ડર મયંક પટેલ, બિલ્ડર શ્રેયસ શાહ અને પીયૂષ શાહે યોગદાન આપ્યું છે.
- PM-KISAN સન્માન નિધિ યોજનાના તમામ લાભાર્થીઓએ આગામી ૧૯ મા હપ્તાનો લાભ મેળવવા ફાર્મર રજિસ્ટ્રી હેઠળ સત્વરે નોંધણી કરાવવી
- બાગાયત વિભાગ પાટણ દ્વારા ”શાકભાજી પાકો માટે કલસ્ટર ડેવલોપમેન્ટ” એક દિવસીય સેમીનાર યોજાયો
- પાટણ એ ડિવિઝન પોલીસે ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી લીધો
- નવનિયુક્ત પાટણ જિલ્લા પોલીસ વડા ની શુભેચ્છા મુલાકાત લેતા બ્રહ્મ સમાજ ના આગેવાનો.