પાટણના વડાવલીમાં એકનો પગ તળાવમાં લપસતાં બચાવવા જતાં 4 બાળક સહિત 5 ના પણ ડૂબી જવાથી મોત
ચાણસ્માના વડાવલી ગામમાં વાઘજીપરા વિસ્તારમાં રહેતા મુસ્લિમ સમાજની મહિલા સહિત બાળકો બકરા ચરાવવા ગયા હતા. સાંજનાં સમયે એક બાળકનો પગ લપસતાં તળાવમાં પડ્યા બાદ બચાવવા માટે ગયેલ માતા બાદ એકબાદ એક અંદર જતા માતા સહિત બે બાળકો તેમજ પાડોશમાં રહેતા અન્ય બે બાળક મળી કુલ 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મોત થતાં ગામમાં અરેરાટી ફેલાઈ હતી.
ચાણસ્માના વડાવલી ગામની સીમમાં આવેલા તળાવ નજીક બકરાં ચરાવી રહેલા એક બાળકનો પગ લપસતાં તળાવમાં ખાબક્યો હતો. તેને બચાવવા મહિલા ગયા બાદ અન્ય બાળકો પણ જતા મહિલા અને ચારેય બાળકો તળાવના પાણીમાં ગરકાવ થતા ડૂબી ગયા હતા. ઘટના અંગે પરિવારને જાણ થતાં સમગ્ર ગામ એકત્ર થયું હતું. ગ્રામજનો દ્વારા પાંચેય લોકોને વારાફરતી બહાર કાઢીને ચાણસ્મા સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડ્યા હતા. પરિવાર સહિત સમગ્ર ગામ હોસ્પિટલ ખાતે દોડી આવ્યું હતું.બાળકોના મોતને લઈ પરિવારો ભારે રુદન કરતા હોસ્પિટલ પરિસરમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે સાંજે બાળકો ચરાવવા લઈને ગયેલ બકરા સાંજે પરત ઘરે આવી ગયા હતા. પરંતુ સાથે બાળકો કે મહિલા ન હોય પરિવાર ચિંતિત બની તળાવ વિસ્તારમાં શોધવા જતા તેમના ચંપલો બહાર પડ્યા હોય ડૂબ્યાં હોવાનો અંદાજ લગાવી શોધખોળ શરૂ કરતા તળાવમાંથી મૃતદેહ મળી આવ્યા હતા.
મૃતકો નામ
ફિરોજા કાળુભાઇ મલેક (ઉ.વ.32)- માતા
અબ્દુલ કાદિર કાળુભાઇ મલેક (ઉ.10)- પુત્ર -મહેરા કાળુભાઇ મલેક (ઉ.વ.8)-પુત્રી
સોહીલ રહીમભાઈ કુરેશી (ઉ.વ.14)
સિમરન સલીમભાઇ સિપાઈ (ઉ.વ 12)
રહે.તમામ વડાવલી