પાટણ જિલ્લાના ખેડુતોએ વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલીક કાળજીઓ રાખવા ખેતીવાડી વિભાગનો અનુરોધ
પાટણ જિલ્લાના ખેડૂતોએ વાદળછાયા વાતાવરણને ધ્યાનમાં રાખી ખેતરમા ઉભા પાક જેવા કે દિવેલા , કપાસ , રાઇ, વરિયાળી, જીરૂ, ચણા , શાકભાજીની કાળજી રાખવા માટે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. રાઇ , ચણા ,અજમો ,જીરુ , ઘઉ , સવા, તમાકુ, બટાકા, શાકભાજી સહીત કોઇ પાકમા જીવાતનો ઉપદ્રવ જણાય તો તુરંત પ્રથમ તબક્કે જૈવિક નિયંત્રણ કરવું અને જીવાતની માત્રા વધુ હોય તો રાસાયણિક નિયંત્રણ પધ્ધતિ અપનાવી ભલામણ મુજબ જંતુનાશક દવાનો છંટકાવ કરવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારીની અખબારીયાદીમાં જણાવવામાં આવ્યું છે.
વાદળછાયા વાતાવરણ વચ્ચે ખેડૂતોએ ધ્યાનમાં રાખવાની બાબતોઃ
• જીરૂ પાકમાં વાવણી બાદ ૨૫ થી ૩૦ અને ૫૦ થી ૬૦ દિવસે હાથ નિંદામણ કરી પાકને નિંદામણ મુક્ત કરવો.
• ચરમી રોગ આવવાની સંભાવના હોવાથી મેન્કોઝેબ દવા (૩૫ ગ્રામ/૧૦ લિ.) તથા ૨૫ મિ.લી. તૈલી સાબુનું સંતૃપ્ત દ્વાવણ મિશ્રણ કરી કુલ ચાર વાર છંટકાવ ૧૦ દિવસના અંતરે કરવો.
• ધાણાના પાકમાં ભૂકી છારો રોગના નિયંત્રણ માટે ૮૦ ટકા વેટેબલ સલ્ફર ૨૫ ગ્રામ ૧૦ લિટર પાણીમા ઓગાળી છંટકાવ કરવો.
• દિવેલાના પાકમાં પરીપક્વ માળની લણણી કરવી. ઠંડીની અસરને ઘટાડવા માટે સાંજના કલાકો દરમિયાન પાકને પિયત આપવું.
• રાઇના પાકમાં સફેદ ગેરૂ રોગ માટે મેંકોઝેબ ૦.૨૫% (ડાયથેમ એમ-૪૫) ૩૦ ગ્રામ તથા ૨૦ મિ.લિ. તૈલી સાબુનું સંતૃપ્ત દ્રાવણ ૧૦ લિટર પાણીમાં ભેળવી પાક ઉપર છાટવું.
• ચણાના પાકમાં લીલી ઇયળ તથા લશ્કરી ઇયળના કુદરતી નિયંત્રણ માટે પક્ષીઓને બેસવા માટે “ટી” આકારના ટેકા મુકવા તેમજ ૩ થી 4 ફેરોમેન ટ્રેપ ગોઠવવી.
• ઘઉંના ઉભા પાકમાં જો ઊધઇનો ઉપદ્રવ જોવા મળે તો ફિપ્રોનિલ ૫ એસ સી ૧.૬ લિટર અથવા ક્લોરોપાયરીફોસ ૨૦ ઇસી ૧.૫ લિટર/હે. ૧૦૦ કિ.ગ્રા. રેતી સાથે બરાબર ભેળવી ઉભા પાકમાં પુંખવી ત્યારબાદ હળવું પિયત આપવું.
• ઘઉંના પાકની ગાભ (૫૦-૫૫ દિવસ) અને ફુલ (૬૫-૭૦ દિવસ) અવસ્થાએ અવશ્ય પિયત આપવું.
• બટાટાના પાકમાં હાથ વડે નિંદામણ કરવું. ઝાકળ/ વાદળને કારણે પાછોતરો સુકારો રોગ આવતો અટકાવવા માટે રિડોમીલ ગોલ્ડ દવા ૨૭ ગ્રામ તથા ૨૦ મિ.લી. તૈલી સાબુનું સંતૃપ્ત દ્વાવણ મિશ્રણ કરી ૧૦ લિટર પાણીમાં ભેળવી છોડ પર છાંટવું.
• બટાટામાં રોગ અને જીવાતનો ઉપદ્રવ ઓછો કરવા ૫-૭ દિવસના અંતરાલમાં ફુવારા પધ્ધતિથી પિયત આપવું.