સિદ્ધપુરના એક ફેક્ટરીના માલિકે કેનાલમાં પડીને આત્મહત્યા કરી
સિદ્ધપુરના ફેક્ટરીના માલિકની કુરેજા કેનાલમાંથી લાશ મળી હતી. તેમણે કેનાલમાં પડતું મૂકી આપઘાત કર્યો હોવાની આશંકા છે. જોકે તેમણે આપઘાત કેમ કર્યો તેનું રહસ્ય હજુ અકબંધ છે. કેનાલ પાસેથી વેપારીની ઇનોવા ગાડી અને મોબાઈલ મળી આવ્યો હતો.
ખળીચાર રસ્તા પાસે આવેલી ઇસબગુલની ફેક્ટરીના માલિક અને સિદ્ધપુર બિંદુ સરોવર પાસે કપિલ દેવ સોસાયટીમાં રહેતા મયંકભાઇ શંભુભાઈ પટેલ ઉંમર 60ની સોમવારે બપોરે 2:00ના અરસામાં પાટણ-હારિજ હાઇવે પર આવેલી કુરેજા ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાંથી લાશ મળી હતી.
સોમવારે મયંકભાઇ પટેલ અને તેમના નાનાભાઈ ઉર્વશીભાઈ પટેલ બંને જણા સવારે 8:00 નિત્યક્રમ પ્રમાણે ઓફિસ ઉપર ગયા હતા આશરે 10:00 મયંકભાઇ બરોડા બેંકમા જવાનું કહીને ઓફિસ થી નીકળ્યા હતા .આશરે 11:30 અરસામાં ઉર્વીશ ભાઈ પટેલ ઉપર તેમના ભાભી કુંતીકાબેન નો ફોન આવ્યો હતો કે તમારા મોટાભાઈ ઘરે આવ્યા નથી અને ફોન ઉપાડતા નથી જેને પગલે તેમણે તેમના ભાઈના મોબાઈલ પર વારંવાર ફોન કર્યા હતા.
પરંતુ મયંકભાઇ નો ફોન ઉપાડ્યો ન હતો તેથી તેઓ ઓફિસથી ઘરે જતાં ભત્રીજી આશાબેને તેના પિતા મયંકભાઈના મોબાઈલનું લોકેશન ચેક કરતા કુરેજા કેનાલ નજીક આવ્યું હતું . ત્યારબાદ તેઓ કુરેજા કેનાલ પાસે પહોંચ્યા હતા કેનાલ થી પીલુવાડા તરફ આશરે એકાદ કિલોમીટર દૂર કેનાલ ઉપર મયંકભાઇ ની ગાડી પડી હતી અને તે ગાડીમાં તેમના ભાઈ નો મોબાઇલ પડ્યો હતો. પરંતુ મયંકભાઇ ત્યાં ન હોઈ શોધખોળ કરી રહ્યા હતા.
તે વખતે ભલાણા તરફ જતી કેનાલમાં એક લાશ તણાતી હોવાથી શંકા જતા તેમણે તાત્કાલિક હારીજ પોલીસ સ્ટેશન જાણ કરી હતી જેને પગલે હારીજ પોલીસ અને પાટણ રેસ્ક્યુ ટીમે કેનાલ માંથી મયંકભાઇ પટેલની લાશ બહાર કાઢી હતી. આ અંગે ઉર્વીશ ભાઈ પટેલ હારીજ પોલીસ મથકે ખબર આપતા પોલીસે અકસ્માત મોત નોંધ કરી હારીજ સરકારી હોસ્પિટલ ખાતે મૃતકનું પીએમ કરવામાં આવ્યું હતું.
આ અંગે હારીજ પીએસઆઇ આર કે પટેલે જણાવ્યું હતું કે લાશને કોઈ જગ્યાએ ઇજા નથી મયંકભાઇએ આપઘાત કર્યો હોય તેવું જણાય છે. તેઓ આર્થિક રીતે સંપન્ન છે ત્યારે કયા કારણથી તેમણે આ પગલું ભર્યું તેની મોબાઈલ કોલ ડીટેઈલ આધારે તપાસ થશે.